Small story – Monthly Tiny Story | Gujarati Stories – July 2023

small story swatisjournal july 23

ક્યાંક વાંચેલું કે, પોષણ, આશ્રય અને સોબત પછી મનુષ્ય માટે વિશ્વમાં સૌથી જરૂરી કંઈ હોય તો એ છે વાર્તાઓ! મારા મતે વાર્તાઓ આપણને આ ત્રણેય આપી શકવા સક્ષમ છે. મન-મસ્તિષ્ક માટે પોષણ, કલ્પનાઓને આશ્રય અને અસ્તિત્વને સોબત આપતી વાર્તાઓ આપણને એક સારા જીવનનું ઘડતર કરી શકવાનું કારણ પણ આપી શકે છે.

Instagram: @ smallst0ry

01. ભેંટ

bhet small story swatisjournal

“કોઈ તમને ઊંડાણપૂર્વક ચાહે તો તમને શક્તિ મળે છે અને તમે કોઈને હૃદયનાં ઊંડાણથી ચાહો તો એ તમને હિંમત આપે છે.” – લાઓ ત્સુ
સામાન્યતઃ પ્રેમ થવા પાછળ દેખાવ, સ્વભાવ વગેરે કારણો હોય છે, જયારે અહીં અશ્વિની અને સાર્થક માટે માનસિક સ્તર, સમાન શોખ અને દેશ માટે કંઇક કરી છુટવાની ભાવના સાથે એમનું સહિયારું લક્ષ્ય મુખ્ય પરિબળ બન્યા હતા.
ફીઝીક્સમાં ગ્રેજ્યુએટ થઇ બંનેએ એનડીએ માટે પરીક્ષા આપી, છેવટે ભારતીય વાયુદળમાં સ્થાન મેળવ્યું હતું. સ્વાભાવિક રીતે જ બંનેનું પોસ્ટીંગ અલગ અલગ જગ્યાએ થયેલું હતું. આવતી કાલે પોત પોતાનાં સ્થાને રવાના થતાં હોવાથી, હમણાંને માટે છેલ્લી વાર મળી રહેલ અશ્વિની અને સાર્થક એકબીજાને માટે ગમતાં પુસ્તકો લાવેલા છે અને અહીં ઉપર લખેલ અવતરણ ટાંકી, એકબીજાનાં દસ્તખતની યાદી વડે તેને શણગારી રહ્યા છે.

પ્રેમ સંબંધમાં, આંખમાં સમાન સ્વપ્ન અને હૃદયમાં સમાન વિશ્વાસથી વિશેષ તો બીજી કઈ ભેંટ હોઈ શકે? (Rasa – Shringara)

02. અસર

asar small story swatisjournal
‘તારા સસરા કે ચિરાગનો ફોન આવ્યો?”

“આવશે, આવશે… રકમ મોટી છે એટલે વિચાર કરશે ને?” ખંધું હસતાં શિલ્પા બોલી.

જમીન, મકાન, ધંધો, સમાજમાં આબરૂદાર પરિવાર, એક મજાનું બાળક, મહેનતુ પતિ, ક્યારેય નડતરરૂપ ન બને તેવા સાસુ-સસરા, નણંદો, પૂરતી સુખ-સુવિધા અને વાપરતાં ન ખૂટે તેટલા પૈસા… આ બધું જ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા કંકાસનો અંત આણવાના ઉપાય તરીકે શિલ્પા અને તેનાં માતા-પિતાએ ‘માત્ર’ બે કરોડ રૂપિયા માગ્યા છે!!

“અરે એ બધું તો ઠીક પણ કોઈએ કેબલવાળાને ફોન કર્યો કે નહીં; મારી ચેનલ નથી આવતી બે દિવસથી.. સીરીયલમાં વૃંદાએ તેનાં પતિને ઝેર આપ્યા પછી શું થયું એ આવવાનું છે આજના એપિસોડમાં…” ટીવીનું રીમોટ લઇ સોફામાં ગોઠવાતાં શિલ્પાના મમ્મી બોલ્યા.
(Rasa – Vibhatsa)

03. પારસમણી

parasmani small story swatisjournal

પતિની બદલી થઇ હોવાથી પાડોશમાં નવી આવેલી રાધિકા પોતાના ખંતીલા સ્વભાવને કારણે બહુ જલ્દી બધા સાથે હળીભળી ગઈ છે. પોતે સિલાઈ કામ તો કરે, સાથે જ લોકોને કોઈને કોઈ રીતે મદદરૂપ થાય. બપોરે મહોલ્લાની મહિલાઓ તેને ત્યાં સાથે બેઠી હોય ત્યારે એકબાજુ રાધિકાનું મશીન ચાલે અને બીજી બાજુ વાતો! તેની સોબતમાં, પાડોશમાં રહેતા બહુ સાધારણ પરિસ્થિતિનાં ઇલાબહેન પણ ઘણું શીખી ગયા છે.
રાધિકા : “ઈલા માસી, કાલની જેમ આ બ્લાઉઝમાં અંદરની સિલાઈ લઇ આપશો?”
ઇલાબહેન : “હા લાવ ને, તારી સાથે રહીને હવે તો આખું બ્લાઉઝ પણ સીવી આપું એટલી હોશિયાર થઇ ગઈ છું હો છોકરી.”
આજે નિયમ પ્રમાણે પતિની બદલી થતાં રાધિકા તો ફરીથી એક નવી જગ્યાએ જતી રહી છે પણ, ઇલાબહેનને ત્યાં લટકતું “સિલાઈ કામ કરી આપવામાં આવશે.” નું બોર્ડ અને એમને ત્યાં ચાલતા સિલાઈ મશીનનો અવાજ રાધિકાની ગેરહાજરી અનુભવવા દેતાં નથી.
(Rasa – Adbhut)

04. રવિવાર

ravivar small story swatisjournal

રવિવારે શોપિંગ પતાવી, પિઝ્ઝાનું પાર્સલ લઇ, ઘરે જતાં જિયાન અને તેના મમ્મી-ડેડીની ગાડીમાં પંકચર થયું. સદનસીબે, નજીકમાં એક ગેરેજ દેખાયું એટલે ત્યાં પહોંચી, પંકચર બને તેની રાહ જોઇને બેઠા હતા ત્યાં બાજુના શેરડીનાં રસના સ્ટોલ પરથી જિયાન જેવડો લાગતો એક છોકરો આવ્યો અને બધાને ઓળખતો હોય તેમ પોતાનાં સ્ટોલ પર આવવા કહેવા લાગ્યો. સ્ટોલનાં માલિકે પણ આગ્રહપૂર્વક સૌને બોલાવ્યા.
જિયાનની મમ્મી – બેટા, તું જિયાનને ઓળખે છે?
છોકરો – અમારું ઘર તમારી સોસાયટીની બહાર જ છે. અમે સાંજે સાથે રમીએ છીએ.

જિયાનની મમ્મી – તું અહીં કામ કરે છે?
રસનો ગ્લાસ આપતા, સ્ટોલનો માલિક – ના બહેન, એ તો હજી ભણે છે. આ તો રવિવારે મને મદદ કરવા અને અમે બાપ-દીકરો આખો દિવસ સાથે રહી શકીએ એટલે અહીં સ્ટોલ પર આવે.

વાતો આગળ ચાલી અને બે તદ્દન અલગ પરિવારો માટે લગભગ સરખો એવો રવિવાર પૂરો થવા તરફ આગળ વધ્યો! (Rasa – Shant)

વાર્તાઓ તમને વાસ્તવિકતાની કઠોર ભૂમિ પર કે પછી કલ્પનાઓના રંગીન આકાશમાં વિહાર કરાવવા હંમેશા તૈયાર રહે છે, અમારી Small Stories શેયર કરી પરિવાર અને મિત્રોને પણ સાથે લઇ જઈએ એ તમને ગમશે ને?

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal