Small story – Monthly Tiny Story | Gujarati Stories – June 2023

small story june 23 swatisjournal

વાર્તાઓ, આપણા માટે ક્યારેક વિચારનું બીજ બને છે તો વળી ક્યારેક મનમાં રોપાયેલા ખ્યાલો માટે ખાતર પણ બને છે. કોઈ પણ કિસ્સામાં એ મનુષ્યને પોષતી અને સમૃદ્ધ કરતી રહે છે એ ચોક્કસ વાત છે. અમારી Small Stories આપના મન, દિવસ તેમજ જીવનને સમૃદ્ધ કરે તેવી કામના!

Instagram: @ smallst0ry

01. થડ

abarudar small story swatisjournal

દૈવ-વશાત દીકરાનું આકસ્મિક મૃત્યુ થયું ત્યારે, વહુ સોનાલી અને 3 વર્ષની પૌત્રીની જવાબદારી પણ નાની ઉંમરે જ પતિ ગુમાવી ચુકેલા નિમિષાબહેન પર આવી. દીકરાના મૃત્યુને મહિનો થઇ ગયો છતાં, શોક પ્રગટ કરવા માટે દૂરનાં કુટુંબીઓની અવર-જવર ચાલુ છે. બે દિવસથી કુટુંબી મોટી સાસુની સરભરામાં વ્યસ્ત સોનાલી સવારથી થોડી અવઢવમાં છે. પૂજામાંથી પરવારેલા નિમિષાબહેન સોનાલીની મુંઝવણ પારખીને બોલ્યા, “બેટા, તારે તૈયાર થવું જોઈએ. મોડું થઇ જશે.” નિમિષાબહેનનાં જેઠાણીનાં કાન ચમક્યા. એ બોલ્યા, “દેવદર્શન જવાનું છે?” આ અપેક્ષિત પ્રશ્નના જવાબમાં નિમિષાબહેન: “ના ભાભી, આજે નોકરી માટે તેને એક ઈન્ટરવ્યુ આપવા જવાનું છે.” મોટી સાસુએ સોનાલી તરફ અણગમાયુક્ત, પ્રશ્નસૂચક નજર ફેંકી; નિમિષાબહેને વાતનો દોર સાંધતા કહ્યું, “થવાનું હતું એ થઇ ગયું, મારા વડલાની સૌથી મજબુત ડાળ તૂટી ગઈ અને એટલે જ નવી ઉગતી કુંપળોને પોષવાની જવાબદારી આપણી ને?”
સોનાલીને ફરી તૈયાર થવાની ટકોર કરી, નિમિષાબહેન પૌત્રીને પ્રસાદ ખવડાવવામાં વ્યસ્ત થઇ ગયા.(Rasa – Adbhut)

02. ઇરેઝર

praudh shikshan small story swatisjournal

ઘરકામ સબબ થયેલી ચણ-ભણને લીધે સાસુ-વહુનાં ટેમ્પરરી અબોલાનાં ઉમાકાંતભાઈ મૂક સાક્ષી બન્યા હતા. એવું ન હતું કે ઘરમાં સુમેળ ન હતો પરંતુ, બે પેઢીનાં વ્યવહાર, અપેક્ષાઓ, જરૂરિયાતો અને સમજણનો જે કુદરતી અવકાશ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે એ અહીં પણ હતો. સાંજ સુધી આ મૌન પ્રદર્શનનો અંત આવેલો ન જણાતા, ચારે’ક વાગતાં ઉમાકાંતભાઈએ ચા બનાવી સાસુ-વહુને ડાઈનીંગ ટેબલ પર બોલાવ્યા. બિસ્કીટ કે નાસ્તો હશે એમ સમજી રેણુબહેને ચાની ટ્રે સાથે રાખેલી પ્લેટનું ઢાંકણ હટાવ્યું તો, અંદર એક પેન્સિલ અને એક ઇરેઝર હતા.ચાની એક ચૂસકી ભરી ઉમાકાંતભાઈએ કહ્યું, “બેટા ઈશા, રેણુ, બંને બોલી તો નહીં શકો એટલે વાત વધારવી છે કે અહીં જ પૂરી કરવી છે એ નક્કી કરી પ્લેટમાંથી પોતાની મરજી સૂચિત કરતી વસ્તુ ઉપાડી લો એટલે હું સમજી જઈશ.”
સાસુ-વહુ બંને એકસાથે ઇરેઝર પર હાથ મૂકી હસી પડી; બંનેના મનમાં ખેંચાયેલી ખોટા રોષની રેખાઓ ભૂંસાઈ ચુકી હતી.
(Rasa – Shant)

03. સંજીવની

mango dolly small story swatisjournal

નાના કસબા વિકસી, વિસ્તરીને શહેર બની રહ્યા છે ત્યારે, આવા જ એક કસબામાં શિક્ષક તરીકે નિવૃત્ત થયેલ હરસુખભાઈ અને વિનુભાઈ બાળપણથી દોસ્ત! દીકરા યોગેશે ઘણાં ડોક્ટર બદલી જોયા પણ, હરસુખભાઈની અચાનક શરુ થયેલી બીમારીનું નિદાન થઇ શકતું નથી. વિનુભાઈ એક દિવસ હરસુખભાઈને એક નવા ડોક્ટર પાસે લઇ જાય છે. પંદરે’ક દિવસમાં નવા ડોકટરની સારવારથી હરસુખભાઈ ઘણાં સ્વસ્થ થઇ ગયા છે. ડોકટરની શરત મુજબ દવા ત્યાં જઈને લેવાની હોવાથી વિનુભાઈ કે હરસુખભાઈ સિવાય કોઈને પણ જાણ નથી કે દવા છે શું? બંને મિત્રો ફરીથી દવા લેવા નીકળ્યા છે પણ, આજે યોગેશ પણ એમની જાણ બહાર એમની પાછળ ગયો છે.
ગામથી દૂર એક નાનકડા બસ-સ્ટોપ સામે લીલાછમ ખેતરોને અડોઅડ ઉભેલા ઘટાટોપ વડલા નીચે બનેલી ચાની ટપરી પર ચા પીતા-પીતા મોટેથી હસી-બોલી રહેલા બંને મિત્રોની સંજીવની કઈ એ સમજી ગયેલ યોગેશ સ્મિત સાથે પાછો વળી ગયો છે.
(Rasa – Shant)

04. હોશિયાર!

bhav feri small story swatisjournal

નાનકડા ગામડામાં રહેતા પ્રકાશ અને વિનોદ એક જ શાળામાં ભણતાં. અભ્યાસમાં હોશિયાર વિનોદ આગળ ભણવા શહેરમાં ગયો, ત્યાં જ એક સારી કંપનીમાં મીકેનીકલ સર્વિસ એન્જીનીયર તરીકે નોકરી કરી સારું કમાય છે. જમીન ખેડવા માટે ભાગમાં આપી, માતા-પિતાને પણ પોતાની સાથે શહેરમાં લઇ ગયો છે. ઘણાં વર્ષે કામ સબબ પોતાને ગામ પાછો આવેલ વિનોદ, ગામમાં રહીને પિતાને ખેતીમાં મદદ કરતા પ્રકાશને મળવા આવ્યો છે. ખરી કમાણી શહેરમાં જ છે અને ગામડામાં હવે કંઈ નથી એવી વાત ચાલી રહી છે ત્યારે,
વિનોદ, “છ-સાત આંકડામાં પગાર જોઈએ તો, શહેર જવું જ પડે. તારે અહીં કેવું’ક છે કામકાજનું?”
પ્રકાશ, “કંઈ ખાસ નહીં, ખેતી સાથે તું જેની સર્વિસ માટે આવ્યો છે એ નાનકડું વર્મીકમ્પોસ્ટ યુનિટ છે; સાતે’ક જણ કામ કરે છે તેમાં અને વર્ષે ૩-૪ કરોડનું એક્સપોર્ટ કરીએ એટલે મોજ!”
શહેર પાછા ફરતા વિનોદના વિચારો તેની ગાડી કરતા વધુ ઝડપે ચાલી રહ્યા છે. (Rasa – Shant)


આ ટચુકડી વાર્તાઓની ઝરમર આપને ભીંજવી શકી કે નહીં એ લખી જણાવશો જરૂર. આપના પ્રતિભાવોની રાહ જોઇશ. તો, આ મહીને પ્રસ્તુત Small Stories માણો, શેયર કરો તેમજ ડાબી તરફ ખૂણામાં આપેલ તાળીના નિશાન પર ક્લિક કરી બિરદાવવાનું ભૂલશો નહીં.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal