Instagram: @ smallst0ry
ક્યાંક વાંચેલું કે, વાર્તાઓ કહેવી અને સાંભળવી એ માનવ હોવાનો મૂળભૂત ભાગ છે. એટલે કે, દુનિયાનાં કોઈ પણ ખૂણે હોય પણ, માણસ હોય એટલે તેને વાર્તાઓ ગમવાની જ. વાર્તાઓ આપણને મનુષ્ય હોવાની અનુભૂતિ આપ્યા કરે છે. આવી જ તમને સૌને ગમે એવી નાની-નાની વાર્તાઓ એટલે અમારી આ Small Stories! તો, આપ સૌ વાંચો, માણો, સંભળાવો અને આગળ શેયર કરો.. કરશો ને?
01. બંગડી
આગલી રાત્રે અંતિમ શ્વાસ લઇ ચુકેલા સરોજબહેનનાં દેહની અંતિમ ક્રિયા માટે એમની દીકરી પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. કેન્સર જેવી બીમારી સામે હિંમતભેર ઝઝૂમેલા સરોજબહેનને એક હારેલા યોધ્ધાની જેમ પડેલા જોઈ દિલીપભાઈ ભાંગી પડ્યાં છે. ઓરડામાં પ્રસરેલ શાંતિનો ભંગ કરતી મોબાઇલની રીંગ વાગતાં, અંતિમયાત્રાની વ્યવસ્થામાં પડેલ દીકરો કલ્પ, ફોન પત્ની માલિનીને આપે છે. સામે છેડે દીકરી યોગિતા છે.
માલિની – હા, દીદી ક્યાં પહોંચ્યા તમે લોકો?
યોગિતા – મેં એ કહેવા જ કૉલ કર્યો છે કે, અમને પહોંચતા હજી બપોર થઇ જશે તમે મમ્મીની અંતિમ વિધિ શરુ કરાવી દો. અને હા, ખાસ તો એ કે મમ્મીનાં હાથની બે-બે તોલાની એક એવી બંગડીઓ સ્મશાને ન જવા દેશો. ત્યાંથી પાછી આવે એનો કોઈ ભરોસો નહીં. બાકી, પહોંચીને વાત કરું.
બંગડી ઉતારતી માલિનીને જોઈ, દિલીપભાઈને સરોજબહેન ન હોવાનો અફસોસ થવાને બદલે જાણે સંતોષ થયો. (Rasa – Vibhatsa)
—
02. પોયણી
નાની ઉંમરમાં જ ગિરીશને પરણીને અહીં સાવ નાનકડા ગામમાં રહેવા આવી ગયેલી ભાવનાને આ ગામનું તળાવ, તેમાં ઉગતાં પોયણીના સફેદ ફૂલ અને ગામનો મજનુ ગણાતો જગમોહન ઉર્ફે જગો બહુ ગમતો. ગિરીશને કંઈ ખબર નહોતી એવું ન હતું પણ એ વાત સમજાવટથી પતે તો સારું એમ માનતો. તેણે બંનેને સમજાવવાનો પ્રયત્ન કરેલો પણ, કોઈ ફર્ક પડ્યો નહીં. ઉલટાનું, આ વાતને ગિરીશની નબળાઈ સમજી જગાની નફ્ફટાઈ અને ભાવનાની બેશરમી વધતાં ચાલ્યા. ભાવના અને જગમોહન એક રાત્રે મળ્યા પછીથી ગામમાં એમનો પતો મળતો નથી. એમનાં પાછા આવવાની આશામાં, તળાવની પાળે બેસી પોયણીનાં ફૂલોને તાકતા ઉદાસ ગિરીશને, આંખમાં સહાનુભુતિ સાથે બધાએ જોયો છે. આજે દોઢ મહિના પછી પણ પથ્થર સાથે બાંધીને ફેંકેલી બંને લાશ ઉપર નથી આવી તેની ખાતરી થતાં, રોજની જેમ તળાવમાંથી પોયણીનું એક સફેદ ફૂલ લઇ, ગિરીશ ઘર તરફ ચાલતો થયો. (Rasa – Raudra)
—
03. વ્યવસ્થા
હિંમતભાઈ ઘણાં વર્ષોથી આ સિમેન્ટની એજન્સી એકલા હાથે જ સંભાળતા આવ્યા છે. સરળ સ્વભાવની પત્ની અને બે દીકરા એટલે હિંમતભાઈની ગણતરી સમાજનાં ભાગ્યશાળી લોકોમાં થતી. લાડથી ઉછેરેલા બંને દીકરા હવે મોટાં થઇ, પોતાની નોકરીઓમાં વ્યસ્ત છે. મનુષ્ય એક જ એવું જાનવર છે જે મળતાં પ્રેમ કે સદ્ભાવનો બદલો એવી જ રીતે આપશે તેની કોઈ ખાતરી નથી હોતી. બે મહિના પહેલાં જ સત્તાવન વર્ષનાં હિંમતભાઈને હાર્ટ એટેક આવ્યો. એ સમયે બંને દીકરાઓ વચ્ચે પિતાની તબિયતની ચિંતાને બદલે, માતા-પિતાની શું ‘વ્યવસ્થા’ કરવી એ સબબની અસમંજસ અને દલીલો હિંમતભાઈથી છૂપી ન હતી. આજે બે મહિનાનાં આરામ પછી એજન્સીએ આવેલા હિંમતભાઈએ ફોન જોડ્યો,
“ભાઈ સંજય, તું ઘણાં સમયથી કહેતો હતો ને, તો આજે સાંજે ઘરે આવજે.”
મોડી સાંજે સંજયનાં હાથમાં પોતાનો અને પત્નીનો મેડીક્લેમ ઉતારવાનો ચેક પકડાવતાં હિંમતભાઈ, એમને પ્રશ્નસૂચક નજરે જોતી પત્નીને જવાબ આપતાં બોલ્યા, “વ્યવસ્થા!” (Rasa – Karuna)
—
04. પસંદ
હિરલ, નેહા, મોહન, સ્મિતા, આરોહી, હાર્દિક, રોનક, રીના અને આશિષ, ‘નવગ્રહ’ તરીકે ઓળખાતી આ ટોળકી વર્ષો બાદ બીજા મિત્રો સાથે, સ્કૂલનાં રિ-યુનિયનમાં એક એડવેન્ચર ટ્રીપ પર જંગલ ખેડવા નીકળી છે. ખાવા-પીવાની વ્યવસ્થા માટે બધાં સાધન-સામગ્રી બસમાં લાદી દીધેલાં છે. સમય થતાં, સારી જગ્યા જોઈ, રોકાઈ, રસોઈ કરી બધા સાથે જમે છે. આજે બધાની ફરમાઈશ પર રીંગણનું ભરેલું શાક બનવાનું છે. સેલ્ફ-સર્વિસ જ કરી લેતાં હોવાને લીધે, ટેબલ પાથરી બધા તપેલાં ગોઠવી દેવાયા. હવે, આશિષને મૂંઝવણ કે ખાવું શું? તેને રીંગણ બિલકુલ ન ભાવે. એટલામાં શાકનાં કાઉન્ટર સામે રાહ જોઇને ઉભેલી સ્મિતાએ ધીમેથી સુકી ભાજી ભરેલ વાટકી તેની થાળીમાં સરકાવી દીધી. આજે પણ માત્ર ‘નવગ્રહ’ની ટોળકી જ સમજી શકી કે સ્કૂલ સમયથી આજ સુધી કોને શું પસંદ છે! (Rasa -Shringara)
—
05. જાણકાર
જ્યોત્સના બહેન આસપાસનાં ઘરોમાં એક વિદુષી તરીકે જાણીતા. તેમને પણ વિવિધ વિષયો પર માહિતી એકઠી કરી લોકો સાથે તેની ચર્ચા કરવાનો ઘણો શોખ. સંસ્કારી, લોકોમાં ઉદાહરણીય ગણાય એવા ઘરના જયોત્સના બહેન આજે વહુને દીકરો જન્મશે કે દીકરી એ જાણકારી લેવા એક કહેવાતા ડોક્ટરને ત્યાં બેઠાં છે!! (Rasa -Karuna)
—
ખુશી, રોમાંચ, ધિક્કાર વગેરે લાગણીઓ જન્માવતી આ મહીને પ્રસ્તુત વાર્તાઓ એટલે કે અમારી Small Stories આપ સૌ વાચકોને કેવી લાગી એ જાણવા હું ઘણી ઉત્સુક છું. અને હા, આપની પાસે પણ આ વાર્તાનાં પાત્રો જેવાં જ લોકોની રોચક કહાણીઓ હોય તો ચોક્કસ લખી જણાવશો. મળીએ આવતે અઠવાડિયે વધુ મનોરંજક Small Stories સાથે. ત્યાં સુધી વાંચતા રહો, માણતા રહો અને શેયર કરતા રહો.