Instagram: @ smallst0ry
સારી રીતે કહેવાયેલ વાર્તાઓ આપણા આંતરિક વિશ્વને સ્પર્શીને આનંદ, ખટકો, શોક, દુઃખ, ક્રોધ કે ઉલ્લાસ આવી કંઈ કેટલીએ લાગણીઓ જન્માવી શકવા સમર્થ હોય છે. જીવનનાં વિવિધ રંગોનાં મેઘધનુષ જેવી અમારી આ નાનકડી વાર્તાઓ આપને ચોક્કસ પસંદ પડશે તેવી આશા સાથે ચાલો માણીએ આ મહિનાની નવી Small Stories!
01. આબરૂદાર
માતા-પિતા વિના મોટી થયેલી કરુણા માટે મોટી બહેન ગીતા જ સર્વસ્વ હતી. આજે કરુણાનાં સસરા ધનસુખલાલનાં કહેવાથી ગીતા, કરુણાને ત્યાં આવી છે.
ધનસુખલાલ – “ગીતાબહેન, તું દીકરી જેવી કહેવાય એટલે સીધું જ કહું છું કે, આ તારી બહેન અમારા ઘરમાં નહીં ચાલે.”
ગીતા – “શું થયું છે કાકા?”
ધનસુખલાલ – “એની નોકરી. આ નર્સની નોકરીની જરૂર શું છે? અમારા આબરૂદાર ખોરડાની વહુને આવા કામ ન શોભે.”
ગીતા- “એની નોકરીની તમને પહેલાથી ખબર તો હતી.”
ધનસુખલાલ – “પણ ડોકટરો સાથેનાં એનાં.. જવા દો મારા મોઢે ન બોલાવો..”
ગીતા- (ગુસ્સામાં) “કાકા!”
કરુણાનાં છૂટાછેડાને એક મહિનો પણ નથી થયો ત્યાં, ધનસુખલાલ હાથ જોડીને ગીતાને આંગણે ઉભા છે,
-”દીકરી માફ કરજે, તારી નિર્દોષ બહેન પર લાંછન લગાવી, પોતાનાં અનૈતિક સંબંધ પર પડદો પાડનારો મારો કપૂત ગઈકાલે જ કોઈ અજાણી બાઈને અમારા ઘરમાં લાવ્યો છે!”
બંને બહેનોની નજરમાં આ લુંટાઈ ગયેલ આબરૂદાર માટે અફસોસ છે. (Rasa – Karuna)
—
02. પ્રૌઢ શિક્ષણ
માલતીબહેનની વિદાયને આજે 13 દિવસ થઇ ગયા છે. અરવિંદભાઈ સાથે અત્યારે ઘરમાં બે દીકરા, એમની વહુઓ, બાળકો, એક દીકરી-જમાઈ અને અરવિંદભાઈનાં મોટાભાઈ-ભાભી વગેરે અમુક લોકો જ છે.
“પપ્પા, અહીં કશું જ નથી રહ્યું. હવે ચાલો અમારી સાથે. તમને ફાવી જાય એટલે આ ઘરનો પણ નિકાલ કરી દઈશું. અમારા બધાનું આવું જ માનવું છે.”, ભાઈ-બહેન તરફ વાતની પુષ્ટિ માટે નજર કરતા મોટો દીકરો બોલ્યો.
નાનાએ અપેક્ષા મુજબ સમર્થનમાં માથું હલાવ્યું.
દીકરી : “હા પપ્પા, હવે એકલા રહેવા કરતાં, આ ઘર વેંચીને ભાઈ સાથે જ શિફ્ટ થઇ જાઓ; અમારે પણ તમારી ચિંતા ઓછી.”
થોડી વારે, બધા આઘા-પાછા થયા પછી મોટાભાઈએ આવીને અરવિંદભાઈને પૂછ્યું, ‘નાનકા, આ શું ચાલી રહ્યું છે?’
અરવિંદભાઈ મ્લાન હસીને બોલ્યા, “પ્રૌઢ શિક્ષણ!” (Rasa – Karuna)
—
03. મેંગો-ડોલી
રેવા અને કીર્તિ સાથે મોટી થઇ, પરણીને એક જ ગામમાં આવી, એટલે બંનેની દોસ્તી એમનાં પરિવારો સુધી આગળ વધી. એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પરથી નિવૃત્ત થયેલી કીર્તિ અને હંમેશાથી હોમ-મેકર રહેલી રેવા સમય મળ્યે, સાથે બેસી સુખદુઃખની વાતો કરતા.
એમની ફેવરીટ મેંગો-ડોલી રેવાને પકડાવી, હિંચકે બેસતાં કીર્તિ – “કેમ ઉદાસ છે?”
રેવા – “ચાહે જીવનભર ખરપાઈ જઈએ પણ ઘરમાં કામ કરીએ અને કડક નોટો કમાઈને ન લાવીએ તો આપણું જીવન સાવ નકામું!”
– ગઈ રાત્રે પતિ દ્વારા આવક બાબતની મજાકમાં કેવી રીતે તેની લાગણી દુભાઈ એ કહેતાં રેવાની આંખો ભરાઈ આવી.
કીર્તિ – “લાવ તો ફોન, હિતેનભાઈ આવી વાત જ કેવી રીતે કરી શકે?”
રેવા – “ના, ના અત્યારે એમને એક બહુ જરૂરી મીટીંગ છે, ડીસ્ટર્બ ન કરાય!”
ભારતીય સ્ત્રીઓનાં જીવન આ અંદર-બહાર અલગ, ખાટ્ટી-મીઠી, નરમ અને અંતે પીગળી જતી મેંગો-ડોલી જેવા જ હોવાની સાક્ષી પૂરતો હિંચકો એક ઠેસ સાથે ફરી ચાલતો થયો. (Rasa – Shant)
—
04. ભાવફેરી
નિવૃત્ત પતિ સાથે દીકરો-વહુ અને તેમના બાળકો એ જ સાલસ સ્વભાવનાં મધુબહેનનો સંસાર! પરગજુ અને ધાર્મિક વૃત્તિને કારણે પડોશમાં પણ જાણીતા. આસપાસ એમની ઉંમરની છ-સાત બહેનો હતી, એટલે એમનું એક મંડળ બનાવેલું. ક્યારેક બધા સાથે મળી પ્રવાસે જાય, ભજન-કીર્તન કરે કે સાથે મળી તહેવારોમાં વિવિધ આયોજનો કરે. નવી પેઢીમાં ધર્મ વિશે સજાગતા કેળવાય એ હેતુથી મંડળની બહેનો ભાવફેરીમાં જતી. આજે સમય થઇ ગયો હોવાં છતાં મધુબહેન આવ્યા નહીં એટલે બહેનોએ એમનાં ઘરે જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. બહેનો એમની વહુને કંઈ પૂછે એ પહેલા બાજુમાં રહેતી સીમાનાં ઘરમાંથી મધુબહેનનો અવાજ આવ્યો, “અહીં આવી જાઓ બધા. આજની ભાવફેરી અહીં છે!”
મધુબહેન આજે સવારથી જ નોકરી કરતી સીમાનાં નાના બાળક અને અચાનક બીમાર થયેલ તેનાં વિધુર સસરાની દેખરેખ માટે, સીમા પાછી ફરે ત્યાં સુધી એમનાં ઘરે રોકાયેલ છે. (Rasa – Shant)
—
અહીં પ્રસ્તુત વાર્તાઓના વિષય તેમજ કથાવસ્તુ, તમારા મનને ઊંડે સુધી સ્પર્શી ગયા હોય તો, અમને પરત લખી પ્રોત્સાહિત કરશો તેમજ વાર્તાનું ફોરમેટ દિલચસ્પ તેમજ શેયર કરવા માટે સરળ છે તો, બીજા મિત્રો સાથે શેયર કરશો ને?