સુખનું સરનામું – A Short Story in Gujarati

Sukh nu sarnamu gujarati short story swatisjournal

બિનશરતી પ્રેમમાં અસાધારણ શક્તિ હોય છે. મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન!

એક પોશ કોલોની અને તેની પહેલી જ ગલીમાં આવેલ કોર્નરનું પહેલું જ ઘર એટલે ‘આરુણિ-નિવાસ’. ગત એક અઠવાડિયાથી જાણે ઘરનો માહોલ જ બદલી ગયો છે; ઘર આખું ઉત્સવ બની ગયું છે! શ્રીનિવાસ શાસ્ત્રી, બે વર્ષ બાદ આવેલા પોતાનાં એનઆરઆઈ દીકરા-વહુ અને પૌત્ર-પૌત્રીને ખુશ કરવાનાં પ્રયાસમાં પોતાની વધતી ઉંમર વિસારીને બજારમાંથી બાળકોને ગમતી કે ગમી શકે તેવી દરેક ચીજ ખરીદીને ઘરમાં ભરી રહ્યા છે. શ્રીમતી આરુણિ શાસ્ત્રી, જે વિદેશમાં બનતી કે મળતી નથી એવી, એમના ઘરની ઓળખ સમાન વિવિધ પ્રકારની પારંપરિક વાનગીઓ બનાવી, ખવડાવી બાળકોનું મન જીતી રહ્યા છે. બદલામાં આ પતિ-પત્નીને મળી રહ્યા છે અઢળક વ્હાલ અને પ્રેમ કે જે એમની આટલા વર્ષોથી સંચિત કરેલી મૂડી છે.

આ પ્રકારનાં પારિવારિક લગાવ, દરકાર વાર્તાઓમાં જ હોય તેવું લાગે, પણ વાસ્તવિક જીવનમાં હજી ઘણાં ઘર આ પ્રકારનાં સ્વર્ગીય સુખને વરેલા છે એ વાતનું જીવંત ઉદાહરણ બનેલું છે ‘આરુણિ-નિવાસ’!! કેળવણી, સંસ્કાર તેમજ પ્રેમ ઉપરાંત સંગીત એક એવું પરિબળ છે કે જેણે આ પરિવારને બહુ નજીકથી એકબીજા સાથે જોડી રાખેલ છે. શ્રીનિવાસ શાસ્ત્રી બનારસનાં એક ખ્યાતનામ સંગીત શિક્ષક રહી ચુક્યા છે અને દીકરા નંદિશે બહુ નાની ઉંમરથી જ આ કળામાં નિપુણ બની, પિતાનો વારસો આગળ વધાર્યો છે. એ વિદેશમાં એક યુનિવર્સીટીમાં સંગીતનો પ્રાધ્યાપક છે. હવે કૉલેજમાં આવી ચુકેલી પૌત્રી સ્વરા પણ દાદા અને પિતાને પગલે ચાલી, સંગીતમાં જ પોતાની કારકિર્દી બનાવવા માટે તાલીમ લઇ રહી છે.

સરસ મજાની ચાંદની રાતે, જમવાનું પૂરું કરી, બધા વરંડામાં બેઠા છે અને અલક-મલકની વાતો ચાલી રહી છે. સ્વરા બધાને પોતે બનાવેલ મ્યુઝિક વિડીયો બતાવવા ઉત્સુક છે. સ્પીકર, સ્ક્રીન વગેરેનું આખું સેટઅપ ગોઠવાઈ ગયા પછી સ્વરા બોલી, “દાદાજી-દાદીમા, આ મેં પ્રોડ્યુસ કરેલ પહેલો મ્યુઝિક વિડીયો છે અને એ ખાસ તમને બંનેને ડેડીકેટ કરેલ છે. તમારી લાઈફ સ્ટોરી પર બનાવેલ આ વિડીયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર મેં જ ગાયેલ છે. એન્ડ યુ નો વ્હોટ, એ સોંગ કયુ છે? તમે ડેડીને એ નાના હતા ત્યારે ગાઈને સંભળાવતા હતા એ જ સોંગ!!”

જેમ જેમ વિડીયો આગળ વધવા લાગ્યો, તેમ તેમ આરુણિ અને શ્રીનિવાસ શાસ્ત્રી બંનેનાં ચહેરાની કરચલીઓ જાણે ઓગળવા લાગી, સંગીતનો એક-એક સુર બંને પતિ-પત્નીને જાણે એક-એક ડગલું ભૂતકાળ તરફ પાછળ ખેચી રહ્યો છે. આગળ વધતા ગીત સાથે જ ભૂતકાળની ઘટનાઓ આરુણિના માનસપટલ પર કોઈ સ્લાઈડ શો ચાલતો હોય તેમ કથા સ્વરૂપે પ્રસ્તુત થવા લાગી.

બનારસના એક વિધવા આશ્રમમાં યુવાન વિધવા આરુણિ, પોતાનાં દીકરા નંદિશ માટે એક સારા ભવિષ્યની કામના સાથે જીવી રહી હતી. અહીં બીજી કોઈ સુખ સુવિધાનો તો પ્રશ્ન જ ન હતો બસ, નંદિશને સારું શિક્ષણ મળી રહે તેટલી ગોઠવણ થઇ શકે એ માટે આરુણિ સતત પ્રયત્નશીલ હતી. ભાગ્ય જયારે એક દરવાજો બંધ કરે ત્યારે બીજા દરવાજા તરફની દિશાનું સુચન ચોક્કસ કરે જ છે. એ ન્યાયે, સરકારી શાળામાં ભણતા નંદિશનાં શિક્ષકે તેની પ્રતિભા પારખી તેને સંગીત શીખવવાનું સુચન કર્યું અને જાણે નિયતિ જ આરુણિને માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ બનાવી રહી હોય તેમ, એક પરગજુ સંગીત શિક્ષક કે જે સમગ્ર નગરમાં સંગીતનાં ક્ષેત્રે સન્માનનીય હતા એવા શ્રીનિવાસ શાસ્ત્રી, એ આશ્રમમાં આવી નંદિશને સંગીતની તાલીમ આપવા માટે તૈયાર થઇ ગયા.

છેવટે, અત્યંત ઋજુ હૃદયનાં, પરિપક્વ અને સમજદાર એવા શ્રીનિવાસ શાસ્ત્રી આ માતા-પુત્ર બંનેને અપનાવી, પોતાનાં તેમજ એમનાં એકલવાયા જીવનમાં સંગાથરૂપી એક નવો રંગ ભરવાનું નક્કી કરે છે. આશ્રમમાં રહેલ વડીલો તેમજ નંદિશની શાળાનાં તેના શિક્ષક કે જે શ્રીનિવાસ શાસ્ત્રીના મિત્ર પણ હતા એમની સલાહ કે સુચનને અનુસરી આરુણિ પુનઃલગ્ન માટે હા પાડે છે. ચાલીસ વર્ષનાં સહજીવનમાં બંને પક્ષે એકબીજાને પોષવાનું, સંભાળવાનું તેમજ સાથે વિકસિત થવાનું ચાલુ રાખ્યું છે અને એટલે જ આટલી સુંદર રીતે સિંચાઈને ઉછરેલી એક નવી પેઢી આરુણિ અને શ્રીનિવાસ શાસ્ત્રીના પ્રેમ અને સંસ્કારો વડે મહેકી રહી છે.

નંદિશ વિડીયોમાં આવતા-જતા દ્રશ્યોથી દૂર નીકળી ગયેલ પોતાનાં માતા-પિતાના ચહેરા પર બદલાઈ રહેલ ભાવ જોઈને સંતુષ્ટિ અનુભવે છે. નંદિશ વારાફરતી પોતાની પત્ની, બાળકો, માતા-પિતા અને એમણે બહુ જતનથી બનાવેલ આ ઘરને નિહાળે છે. જીવનની શરૂઆતના વર્ષોમાં, દુઃખનાં અંધકાર વડે ઘેરાયેલા માતા-પુત્ર બંને માટે આશ્રમનો એક ઓરડો જ ઘર હતું પણ, આજે ‘આરુણિ-નિવાસ’ બન્યું છે આખા પરિવારના સુખનું સરનામું!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal