પશ્ચિમ તરફ ગતિ કરતા સૂર્યથી પણ વધુ ઉતાવળે સોનમ તેની બંને પુત્રીઓ સાથે છુપાવાની જગ્યા શોધતી, આમ તેમ ફરી રહી છે. એક ક્ષણ માટે થંભીને શ્વાસ લેવાનું આજે પરવડે તેમ નથી કેમકે, જંગલી પશુઓથી પણ વધુ પાશવી, ક્રુરતાનાં પર્યાય સમાન એક જનમેદની એમનું પગલે-પગલું દબાવતી પાછળ આવી જ પહોંચી છે.
સોનમને અત્યારે એ પણ સમજાતું નથી કે, એ ગામ તરફ જઈ રહી છે કે પછી તેઓ ગામથી દૂર જઈ રહ્યા છે. તેને માત્ર એટલું જ યાદ છે કે તેણી બપોરનાં જમવાની તૈયારી કરી રહી હતી. તેણે પતિ કબીરને કહ્યું હતું કે, તેની નણંદ જાસ્મીન કોલેજથી પાછી ફરવાનો સમય થઇ જ ગયો હતો તો, થોડી વાર રાહ જોઈને જમવા બેસે. અને કબીર રાહ ન જોવી પડે એટલે, જાસ્મીનને લઈને આવે ત્યાં સુધીમાં થાળી પીરસી રાખે એવું કહી ઘરેથી નીકળ્યો.
ત્યારબાદનો ઘટનાક્રમ એટલો ઝડપથી ઘટી ગયો કે, શેરીમાં ઉઠતો ઘોંઘાટ શાને કારણે છે એ ચકાસવા ગયેલી અને ત્યાં જે કંઈ પણ આકાર લઇ રહ્યું હતું તે જોઈ થીજી ગયેલી સોનમને કળ વળે એ પહેલા તેણીએ પોતાનું ઘર આગની જવાળાઓમાં લપેટાતું જોયું અને એમનું ઘર સળગાવી દેનાર એક ઘાતકી ટોળું તેમને શોધતું તેમના તરફ આગળ વધી રહ્યું હતું. જેમ તેમ જીવ બચાવી એ બંને છોકરીઓને સાથે લઇ ત્યાંથી નીકળવામાં સફળ તો થઇ પરંતુ, હવે એ શહેરની ગલીઓમાં દિશાહીન ભાગી રહી છે.
શહેરમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં ક્યાં આશરો લેવો તે એ વિચારી શકતી નથી. ખુલ્લા ઘરોનાં દરવાજા, આ ત્રણ એમના તરફ વળે કે તરત જ ધબ્બ કરીને વસાઈ જાય છે. આ અફરાતફરીમાં એ એકલી જ નથી. ઘણાં લોકો આવી રીતે ભાગતાં, છુપાતાં જીવ બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અને દૂરથી ફેંકાતી પેટ્રોલથી ભરેલ કાચની બોટલો, પથ્થરો તેમજ હથિયાર લઈને ફરતાં આસુરી લોકો અનેકને ઘાયલ કરી રહ્યા છે. હૃદયવિદારક ચીસો વચ્ચે અનેક લોહીથી ખરડાયેલા જાણીતા, અજાણ્યા લોકોમાં કેટલાએ મરણતોલ ઘા ખાઈ આમ તેમ રઝળી રહ્યા છે. પગમાં આવતા લોકો જીવિત છે કે લાશ એ ચકાસવાની દરકાર કરવાનું પણ શક્ય નથી.
અહીં આજે કઈ કોમનાં માણસો, બીજી કઈ કોમનાં લોકોને મારી રહ્યા હતા તે તદ્દન ગૌણ હતું. બસ એટલું ચોક્કસ હતું કે, રસ્તા પર જે વહી રહ્યું હતું તે માનવ રક્ત હતું અને તે રેલાવનારા અમાનવીય પિશાચો શહેરના માર્ગો પર મૃત્યુનું તાંડવ કરી રહ્યા હતા.
આ બધામાં કબીર અને જાસ્મીનની શું હાલત થઇ હશે એ વિચારીને સોનમ પોતાની વધેલ-ઘટેલ તાકાત પણ ગુમાવી રહી છે. પણ ત્યાં જ એક સ્ત્રી તરીકે હારી રહેલી સોનમને અચાનક બંને હાથમાં પકડેલ બે નાજુક કાંડાએ એ મા છે અને હારી ન જ શકે એ વાત યાદ અપાવી. અને એ સાથે જ તે હતી એટલી હિંમત અને તાકાત એકઠી કરી, અણધારી દિશામાં જ આગળ વધવા લાગી છે. હવે કોઈપણ ભોગે એ પોતાની દીકરીઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માંગે છે. કોઈ પશુ પણ જેનું અનુકરણ ન કઈ શકે એવી બર્બરતાની સાક્ષી બનેલ બાળકીઓ મા સાથે સતત ભાગી રહી છે છતાં, આ ચીસો, રક્તપાત, કત્લેઆમ અને ખૌફનું કારણ શું એ સમજી શકતી નથી.
સાંજ લગભગ ઢળી ચુકી છે. દ્વેષ-રોષનાં ઇંધણથી પોષિત, દુર્ભાવનાનો ચહેરો બની ગયેલ, અધમ માનવ વસ્તીથી દૂર આવી ગયેલ સોનમ અને તેની બંને દીકરીઓ ઓરડાનાં દરવાજે ટકોરા થતાં થોડી ડરી ગઈ. પણ, એક જ ક્ષણ બાદ સ્મશાનનાં એ વયસ્ક રખેવાળનો અવાજ, “અંદર આવું બેટા?” સાંભળી ત્રણેએ થોડી રાહત અનુભવી.
વૃદ્ધ આ ત્રણે માટે થોડું ખાવાનું બનાવી લાવ્યા હતા. શહેરથી દૂર સ્મશાનમાં રખેવાળ તરીકે એકલા જ રહેતા હોવાથી, વધુ કંઈ સગવડ તો નહોતા આપી શકે તેમ છતાં પણ, એમના જીવનની આ સૌથી અંધારી રાત્રે એ સોનમ અને તેની દીકરીઓને સુરક્ષિત રાખવાની ખાતરી ચોક્કસ આપી ચુક્યા હતા.
દીકરીઓને હૈયાધારણ આપી, સુવડાવ્યા બાદ, સોનમ તેનાં વિખૂટા પડી ગયેલ પરિવારની સુરક્ષા માટે મનોમન પ્રાર્થના કરતાં, આ અંધકાર હટે તેની રાહમાં, સળગી ચુકેલી એક ચિતાનાં ઠરી રહેલ અંગારને બારીમાંથી તાકી રહી છે.