લગ્નનો આશય બંને પક્ષ પરસ્પર સમૃદ્ધ થાય અને બંને વ્યક્તિ તેમજ પરિવારો સંયુક્ત રીતે સંવર્ધિત થાય એવો હોય ત્યાં, અપેક્ષાઓ આપોઆપ ઓગળી જતી હોય છે. આપણા સમાજમાં આ વિચારસરણી ભલે એટલી પ્રચલિત ન હોય છતાં, ઘણાં પરિવારોમાં પ્રવર્તે છે અને સકારાત્મકતામાં પરિણમે પણ છે. જે સમાજ માટે ભવિષ્યનાં બદલાવનો ઈશારો છે. લોકો આ દિશામાં વિચારતા થશે અને એક દિવસ દરેક ઘરની દીકરી રશ્મિ જેટલી સદ્ભાગી બનશે.. ખરું ને?
રશ્મિ હજી કોલેજનાં બીજા વર્ષમાં ભણતી હતી ત્યાં જ કુટુંબમાં નજીકનાં ફોઈ તરફથી એમનાં જાણીતા પરિવારમાંથી લગ્નનું એક સારું માગું આવ્યું તો, અત્યંત સાધારણ સ્થિતિ ધરાવતા મોહનભાઈ અને મંજુબહેન ના ન કહી શક્યા. આર્થિક રીતે દુબળા ઘરમાં મોટી થયેલી એટલે ભણીને કંઇક બનવાના અને પોતાને સાબિત કરવાના સપના આંખમાં આંજીને ખંતથી આગળ વધતી રશ્મિ થોડી અકળાઈ તો ખરી પણ, ક્યારેય માતા-પિતાની સામે જવાબ ન આપનારી દીકરી આજે પણ કશું બોલી નહીં. મંજુબહેન તેનું મન પારખી તો ગયા જ હતા એટલે, પ્રેમથી પાસે બેસાડી બોલ્યા, “એ લોકો માત્ર ઘર જોવા અને આપણને બધાને મળવા જ આવે છે. તું એકવાર મયુરને મળી તો જો. અને પછી જો એમ લાગે કે આપણે આગળ વધવું નથી તો, તને કોઈ જોર-જબરદસ્તી થોડું કરવાનું છે બેટા? પણ, ફોઈનાં જાણીતાં છે એટલે આપણે સીધી ના ન પાડી શકીએ ને?”
રશ્મિને પણ લાગ્યું કે એ વધારે પડતું વિચારી રહી હતી. કોઈ જોવા કે મળવા આવે એટલે લગ્ન નક્કી જ થઇ જાય એવું થોડું હતું કંઈ? થોડા દિવસોમાં મળવાનું નક્કી થયું. મયુર એટલે કે મુરતિયો ઈજનેર હતો અને એક પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી કરતો હતો. મોહનભાઈને તો તેનાં માતા-પિતા પણ સરળ અને સમજદાર લાગ્યા. રાબેતા મુજબ એકાંતમાં ગોઠવાયેલી મુલાકાત દરમિયાન, રશ્મિએ પોતાને હજી ભણવું છે અને લગ્નની કોઈ ઈચ્છા નથી તેવું મયુરને તો જણાવી જ દીધું.
એક અઠવાડીયા જેવો સમય પસાર થઇ ગયો. મંજુબહેનને શું જવાબ આવશે તેની થોડી ઇન્તેજારી હતી. એમની દ્રષ્ટીએ છોકરો અને કુટુંબ રશ્મિ તેમજ પરિવારને અનુકુળ લાગ્યા હતા. પણ, રશ્મિને હવે મનમાં ધરપત થઇ ગઈ હતી કે, તેણે મયુરને સ્પષ્ટ કહી દીધું છે એટલે એમણે ના પાડવાની પણ દરકાર કરી નથી લાગતી. પણ, રશ્મિનો આ આનંદ લાંબો ન ટક્યો અને બીજા પંદર જ દિવસ પસાર થયા હશે ત્યાં તો મયુરનાં પરિવાર તરફથી રશ્મિ માટે ‘હા’ આવી ગઈ અને તેના પછીનાં અઠવાડિયે જાણે કોઈ સપનું ચાલતું હોય તેમ રશ્મિ-મયુરની સગાઈ પણ થઇ ગઈ અને બંને પરિવારોમાં આનંદ-આનંદ થઇ ગયો. બસ, એક રશ્મિનું મન કોઈ અજ્ઞાત ભયથી ઘેરાઈ ગયું હતું તેની કદાચ કોઈને ખબર પડી ન હતી. અને રશ્મિનાં આશ્ચર્ય વચ્ચે તેનાં મમ્મીને પણ તેને કંઈ પૂછવા કે મરજી જાણવાનો પ્રયત્ન કર્યા વિના ઘર અને છોકરો ખુબ સારો તેમજ ખાસ તો આર્થિક રીતે સધ્ધર કહી શકાય તેવા હોવાથી રશ્મિને સમજાવવાનું જ વ્યાજબી લાગ્યું.
સગાઇ પછી પહેલી વખત ઘરે આવેલ મયુર સાથે બહાર જવાનું ગોઠવાયું એટલે મંજુબહેને શિખામણની ગાંસડી ખોલી અને રશ્મિએ શું કરવું અને શું ન કરવું તેનું ભાથું ભરી આપ્યું. “જો, હજી બધું નવું-નવું છે એટલે મયુરકુમારની વાત સાંભળવાની, આપણે બહુ બોલવાનું નહીં.” “ઘરમાં જે મનમાં આવે તે બોલતા હોઈએ, બહાર એમ ન ચાલે, એ લોકો આપણને પારખવા માટે અમુક વાતો કાઢે જ પણ આપણે સમજીને જવાબ આપવાનાં અને દલીલ તો બિલકુલ નહીં કરવાની.” – આ અને આવું ઘણું બધું સમજાવી, રશ્મિને સરસ તૈયાર કરી મયુરકુમાર સાથે મોકલી મોહનભાઈ અને મંજુબહેન તો જાણે કોઈ મિશન પાર પડતું હોય તેમ મનમાં રાજીપો અનુભવી રહ્યા.
ગામ બહુ મોટું નહીં એટલે ફરવા જઈ શકાય તેવી ખાસ જગ્યાઓ ન હતી છતાં ગામમાં જ એક ડેમ હતો. ત્યાં મંદિર પણ હતું એટલે વ્યાવહારિક રીતે જેમ મોટા ભાગનાં સામાન્ય ઘરોમાં થતું આવ્યું હોય તેમ રશ્મિ અને મયુર એ મંદિરે જવા નીકળ્યા. મોટરસાઈકલ પર સાવ ચુપચાપ સાથે આવેલી રશ્મિ દર્શન વગેરે પતાવી લીધા બાદ પણ લગભગ અડધા કલાકથી ગુમસુમ જ બેઠેલી હતી.
મયુરે વાતની શરૂઆત કરી, “જુઓ રશ્મિ મને ખ્યાલ છે કે, પહેલી જ મુલાકાતમાં તમે આગળ ભણવા તેમજ કારકિર્દી બનાવવા ઈચ્છો છો એ સ્પષ્ટ કરી દીધેલું અને છતાં પણ અમે આગળ આવી સગાઇ કરી લેવાનો પ્રસ્તાવ મુક્યો એ વાતથી કદાચ નારાજ છો તમે…”
મયુરની વાત હજી પૂરી થાય એ પહેલા તો રશ્મિએ આટલા દિવસોથી અંદર ભરી રાખેલો ગુસ્સો વ્યક્ત થઇ ગયો અને તેનાથી આંખમાં આંસુભેર કહેવાય ગયું કે, “બધી જ ખબર હોવા છતાં તમે આવું કઈ રીતે કરી શકો? આ તો છેતરપીંડી ના કહેવાય?”
મયુર માટે કદાચ આ અપેક્ષિત હતું એટલે હળવા સ્મિત સાથે રૂમાલ આગળ કરી તેણે રશ્મિને શાંત થવાનો આગ્રહ કરતા કહ્યું, “આજે આપણે એ સ્પષ્ટતા કરવા જ અહીં આવ્યા છીએ. તમે એક વખત મને સાંભળી લો પછી, તમે જે કહેશો એ જ છેલ્લો નિર્ણય રહેશે.”
રશ્મિ માટે આ ધાર્યા બહારનું હતું. એટલે શાંતિથી સાંભળવા લાગી.
મયુરે અધુરી વાતનો દોર સાંધતા કહ્યું, “આપણી પહેલી મુલાકાતમાં વાત સ્પષ્ટ થઇ ગયા બાદ તમે મને ગમ્યા હોવા છતાં, મેં ના કહેવાનું નક્કી કરી જ લીધેલું પણ, મારા મમ્મીએ મને એમ કરતા રોક્યો.”
રશ્મિ આશ્ચર્ય સાથે આખી વાત સાંભળી રહી હતી.
“એમણે મને સમજાવ્યો કે મોહનભાઈ અને મંજુબહેને ખુબ સારા સંસ્કાર આપ્યા છે દીકરીને અને આપણે આપણા પરિવાર માટે રશ્મિથી સારી દીકરી શોધવા જઈશું તો પણ નહીં મળે…”
ત્યારે મેં મમ્મીને કહ્યું કે એ લગ્ન કરવા નથી ઈચ્છતી અને તેને આગળ કારકિર્દી બનાવવામાં રસ છે તો, મમ્મીએ કહ્યું કે, “બેટા, એ તો દરેક મધ્યમ વર્ગીય ઘરની દીકરીઓનું સપનું હોય છે પણ, કેટલાનાં સપના એમનાં ધાર્યા મુજબ પુરા થતાં હોય છે? એ એકલી આ સંઘર્ષ કરે તેને બદલે આપણે તેનાં સહભાગી બનીએ તો? લગ્ન અરસ-પરસ બન્નેને સમૃદ્ધ કરવા માટે હોય છે ને? તો, આપણે આપણું ઘર સમૃદ્ધ કરીએ અને તેને આગળ ભણાવી, તેને ગમતા ક્ષેત્રમાં આગળ વધવામાં સાથ આપી, તેનું જીવન સમૃદ્ધ બનાવીએ તો?”
“..અને બસ મમ્મીની આ વાતે મારી બધી શંકાઓનું સમાધાન કરી દીધું. હવે જો તમને આ વાતમાં કશું અયોગ્ય લાગતું હોય તો, હું આ સંબંધમાંથી ખસી જવા તૈયાર છું.”
રશ્મિ કંઈ બોલી ન શકી. અમુક ક્ષણો બાદ તેણે માત્ર એક પ્રશ્ન કર્યો, “તો તમે મને પહેલા આ વાત કેમ ન કરી?”
મયુર, “સહકારને ઉપકાર ગણી તમે ઠુકરાવી ન દો એ માટે માત્ર પરિવારોની સંમતિ લઈને જ આગળ વધી ગયો એ ચોક્કસ મારી ભૂલ છે પરંતુ, મારો આશય શુદ્ધ હતો એટલે મને ખાતરી હતી કે હું તમને સમજાવી શકીશ.”
રશ્મિનાં ચહેરા પરની શાંતિ બન્ને વચ્ચે સાયુજ્યનું સંતુલન સ્થાપી રહી હતી. થોડો સમય એમ જ પસાર થયો ત્યાં મયુરને કશું યાદ આવ્યું. એ બોલ્યો, “અરે હા, તમારું સેકન્ડ યરનું રીઝલ્ટ આવી ગયું હશે ને? શું આવ્યું?”
રશ્મિ, “પાસ્ડ વિથ ફર્સ્ટ ક્લાસ!”
એક રમતિયાળ સ્મિત સાથે મયુર, “અને હું?”
મનથી હળવીફૂલ થઇ ગયેલી રશ્મિ બોલી, “વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થયા છો!”
અને બંને ખડખડાટ હસી પડ્યા.