વિજયાદશમી – A Gujarati Poetry – Celebrate Dussehra

vijayadashami gujarati poetry featured image

તહેવારો ઉજવવા એ આનંદ નો વિષય છે પરંતુ, એ તહેવારો પાછળનાં કારણ જાણીને ઉજવણી કરીએ, ત્યારે એ આનંદ સાર્થક થઇ બેવડાઈ જાય છે. સનાતન ધર્મએ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઘણું આપ્યું છે. રામાયણ પણ એ જ્ઞાનસાગરનું જ એક અણમોલ મોતી છે. વાંચો, માણો અને આનંદો!

ભૂતલ પર બન્યો એક કિસ્સો, રામ અને રાવણ જેનો હિસ્સો.
દોર વાતનો સંધાયો જ્યાં એ રાજા રઘુ કેરો દરબાર,
અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

વ્હાલી કૈકેયીને ડંખ્યો સ્વાર્થ ને દશરથ છે લાચાર;
વચનને ખાતર સીતા-રામ સંગ લક્ષ્મણ છોડે ઘરબાર,
અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

જંગલ વસતા રઘુરાય ને જાનકીની પ્રીત અપાર;
ન જાણ્યું જાનકીનાથે કાલે ઉગવાની કાળી સવાર,
લંકા કેરો રાજા રાવણ અવગુણનો ભંડાર;
રાગ-દ્વેષનાં એરુ મનમાં, ઓકે વેર ને અહંકાર.
અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

મન આવ્યું વૈદેહી પર કે શૂર્પણખા ની તકરાર;
કારણ હજુએ અકળ એટલું, આવે ન સમજ લગાર,
જાનકીજીને હરતાં બન્યો જ્ઞાની રાવણ ગમાર;
પાપનો ઘડો છલકાયો જાણ બસ, છેલ્લો આ અત્યાચાર.
અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

અરણ્ય મધ્યે રામ-લક્ષ્મણ ભટકે, પૂછે સીતાનાં સમાચાર;
હનુમાન તણો છે પરિચય અહીંથી, જે બન્યો ભક્તિ કેરો સાર,
મૈત્રી, ભક્તિ ને શ્રદ્ધાની સાથે સૌ કરતા ચાલ્યા ચમત્કાર;
લંકા માર્ગે પાણીને પણ લાગે ના પથ્થરનો ભાર
અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

સમરાંગણમાં આવી ઉભા ધર્મનો ભાનુ સામે અધર્મનો અંધકાર;
રાવણ અસત્ ની કાલીમા તો, પ્રભુ સત્ નો છે અંગાર,
ભીષણ રણ ને રક્તપાત ને મોતનો બસ ચિત્કાર;
માનવ-અસુરનું બેજોડ યુદ્ધ, વિસ્મય છે પારાવાર.
અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

દસગ્રીવ કેરો કરવાને નાશ સૌ ઝઝૂમે અપરંપાર;
વિભીષણ અહીં મદદે આવ્યા, કહ્યું ક્યાં કરવાનો વાર,
અમી કેરો કળશ છે નાભિએ, અસુરનાં જીવનનો આધાર;
વીંધે અહંનું કેન્દ્ર નરોત્તમ, સાધીને કરે પ્રહાર.
અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

હોય દુષ્ટતા ચાહે બળવંત, ચાહે ધર્મ દીસે લાચાર;
અંતે જીત માત્ર તો સત્યની, ચાહે યુગ વીત્યા હો ચાર,
કરી પ્રયત્ન ટૂંકમાં છે કહ્યો આ રામકથા નો સાર;
સત્ નો મારગ શૂરાનો છે, માની ગયો સંસાર,
અસત્ ને પુતળે પૂળો ચાંપો, કરો લગરીકે ન વિચાર.

અસત્ પર સત્ ની જીતનું પ્રતિક આ વિજયાદશમી તહેવાર.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal