કદી કિંવદંતી, વાયકા કે ગાથાઓ છો ના બને;
યત્ન તો કરીશ જ કે,
તારો ને મારો નાનો-સુનો કોઈ કિસ્સો તો હોય.
ઠૂંઠું બને કે પછી રતુમડો મ્હોરે તું છો ને;
યત્ન તો કરીશ જ કે,
કંટક તરીકે પણ મારો તારામાં એક હિસ્સો તો હોય.
અનર્ગલ બળતી આગ કે તપ્ત આશકા હું છો ના બનું;
યત્ન તો કરીશ જ કે,
મુજમાં તારા તમસના એક નાનકડાં આગિયાનો ઠસ્સો તો હોય.
ભાગું, દોડું, હાંફું, ચઢું કે છો ને પછી પડું;
યત્ન તો કરીશ જ કે,
આખર નાં બે તો બે — ડગ તારી સાથે માંડવાનો જુસ્સો તો હોય!