મનની અભેરાઈએ પડેલા પ્રશ્નો ખખડે છે.
ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.
મનનાં પ્રશ્નો આખેઆખા હચમચાવે છે.
વમળો ને વળી શમી જવાને મન સમજાવે છે.
પ્રશ્નો-વમળો બંને વચ્ચે મન તો ફફડે છે.
ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.
ઉઠેલ તરંગો ક્યાંથી ઉઠ્યા, મન તો જાણે ના.
એ જ તરંગો મનને ખેંચી અહીં-તહીં તાણે હા,
કોઈ અહીંથી ને કોઈ તહીંથી મનને જકડે છે.
ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.
મનનાં પ્રશ્નો ક્યાં જઇ ધરબૂ, હું તો જાણું નહીં.
ક્યારે ઊઠે ને ક્યારે શમે એ એનું ટાણું નહીં.
મનનું ગાડું હજુ સુધી તો એમ જ ગબડે છે.
ઉરમાં ઉઠતાં વમળો માંહોમાંહે ઝઘડે છે.