કવિતા એટલે શું? – Gujarati Article by Rekha Mehta
WRITTEN BY Rekha Mehta

ગુજરાતી ભાષામાં કવિતાઓનો ઈતિહાસ ઘણો જુનો છે. પરંતુ, હાલમાં રચાતી કવિતાઓનું સ્વરૂપ ઘણું જ બદલાયેલું જોવા મળે છે. કારણ કંઈ પણ હોય, હાલની રચનાઓ ભાવક કે વિવેચક પર લાંબી અસર છોડી જતી નથી. કેટલીક કવિતાઓ જોડકણાની જેમ પ્રાસ મેળવવા રચાયેલી હોય અને તેમાં ભાવતત્વ ખૂટતું હોય તેવું લાગે. આમ આવી કવિતાઓ અલ્પજીવી છાપ છોડે છે. ઊર્મિનું તત્વ, અલંકારો, વિષયનું સાતત્ય વગેરે આધુનિક કવિતામાં જોવા મળતું નથી. આથી અહીં કવિતાનો વિચાર કરીએ તો, કવિ, ભાવક, ભાષાનો અનુબંધ શું છે તે જાણવા પ્રયત્ન કરીશું.

કાવ્ય દ્વારા ઊર્મિ, વિચાર અને કલ્પના શાબ્દિક રૂપે રજુ થાય છે. તેમાં માનવીય સંવેદના અને લાગણીને કલાત્મક રીતે રજુ કરવામાં આવે છે. આથી શબ્દ, ભાવ, અર્થ, કલ્પના અને વિચાર કાવ્યનાં મુખ્ય અંગો ગણાય. જીવનનાં સત્યની સૌંદર્યાત્મક, આનંદપ્રેરક અને કલાત્મક અભિવ્યક્તિ એટલે કાવ્ય! જે સર્જક અને આસ્વાદક (ભાવક) નાં ચિત્તને સ્પર્શે.

નીચેનાં અમુક અવતરણો આ વાતને વધુ સાર્થક રીતે રજુ કરે છે.

સંસ્કૃતનાં એક સિદ્ધ કવિ, વિવેચક શ્રી વિશ્વનાથજી અનુસાર – “वाक्यम् रसात्मकम् काव्यम|” (રસાત્મક વાક્ય કાવ્ય છે.)

સંસ્કૃત સાહિત્યકાર જગન્નાથજી મુજબ – “रमणीयार्थ प्रतिपादकः शब्धः काव्यम|” (રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ એટલે કાવ્ય!)

અને પ્લેટો કહી ગયા છે તેમ, “કવિતા પ્રેરણાત્મક કળા છે.”

કવિતાઓમાં સાર્વત્રિક વસ્તુઓનું નિરૂપણ હોય છે. માટે એરીસ્ટૉટલ મુજબ, “કવિતા કલ્પના પર આધારિત હોય છે. તેનું સત્ય વિશાળ અને તેનો હેતુ ઉચ્ચતર હોય છે.”

કાવ્યસર્જન એ માત્ર જ્ઞાન અર્જિત કરવાથી કે કોઈનું શીખવ્યું શીખી શકાતું નથી. કવિતા માટે વર્ડ્સવર્થ કહે છે, “કવિતા જ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે.” તેની પુષ્ટિ કરતું આ વાક્ય ‘અપાર એવા કાવ્યજગતમાં કવિ એક જ પ્રજાપતિ છે.’ સર્વથા સત્ય છે. કવિ જે રીતે ઈચ્છે તેવું જગત પરિવર્તિત કરે છે.

કાવ્ય માત્ર આકાર સર્જન હોય તો, તે પર્યાપ્ત નથી. કવિનું કામ માત્ર નકલ કરવાનું નહીં પરંતુ, દાર્શનિક જીવન ઊભું કરવાનું છે. જે જીવનનું પ્રતિનિર્માણ છે. આકારનું સર્જન શબ્દની વ્યંજના, પ્રતીકો, ભાવકલ્પના અને પ્રતિરૂપો વડે થાય છે જે ભાવકનાં ચિત્તમાં અનુભૂતિનો મર્મ પ્રગટ કરે છે.

કવિ વિવેચક મમ્મટાચાર્ય ના મતે કાવ્યનું પ્રયોજન યશપ્રાપ્તિ, અર્થપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન પ્રાપ્તિ, આનંદપ્રાપ્તિ, અનિષ્ટનું નિવારણ કે ઉદ્દેશ્યપ્રાપ્તિ હોય છે. આ ઉપરાંત કવિમાં શક્તિ (પ્રતિભા), નિપુણતા તેમજ અભ્યાસ હોવો અનિવાર્ય છે. તેનામાં પ્રતિભા સાથે વાસ્તવિક જીવનનું અનુકરણ તેમજ પ્રતિકલ્પનહોવું અત્યંત જરૂરી છે. કવિતાને વ્યાખ્યાયિત કરતા મમ્મટ જણાવે છે કે, “જેમાં કોઈ મોટા દોષ વિનાના, ગુણયુક્ત અને ક્યારેક સ્પષ્ટ અલંકાર રહિત, શબ્દ અને અર્થ હોય તે કાવ્ય છે.”

શક્તિ (પ્રતિભા) – જન્મજાત કાવ્ય સર્જનની શક્તિ કવિની પ્રતિભા તરીકે ઓળખાય છે. કાવ્યમાં કલ્પના તેમજ વર્ણન પ્રતિભા વિના સંભવી શકે નહીં. નરસિંહ, મીરા, અખો, દયારામ તેનાં ઉત્તમ ઉદાહરણો છે.

નિપુણતા – કવિતામાં સચોટતા, સુંદરતા, મધુરતા એ માત્ર ને કવિની નિપુણતા દ્વારા જ સંભવે છે.

અભ્યાસ – મહાવરો, સતત કેળવણી અને જ્ઞાન વડે જ ઉત્તમ કાવ્ય રચાય છે.

સૌન્દર્યને નિહાળવાની, અનુભવવાની તેમજ અભિવ્યક્ત કરવાની આગવી ક્ષમતા હોય તો જ કવિ બની શકાય છે. આમ પ્રતિભા, વ્યુત્પત્તિ અને મહાવરો જ કવિને ઉત્તમ કવિ બનાવે છે.

કાવ્યમાં છંદ – એક જમાનામાં છંદોબદ્ધ કવિતાઓ જ લખવામાં આવતી હતી. ખરેખર છંદમાં રચાયેલી કવિતાઓ ગેય હોય છે. જેની અસર વાચક પર લાંબા સમય સુધી રહે છે. છંદ લયનું સર્જન કરે છે. કવિ દલપતરામે છંદની સાધના કરી હતી પરંતુ, પછીથી તેમનાં પુત્ર ન્હાનાલાલે કહ્યું કે, “અર્વાચીન કાવ્યસુંદરીને હવે છંદોનાં ઝાંઝર નાના પડે છે.” આમ હવે અછાંદસ રચનાઓ વધુ લખાય છે.

રા. વિ. પાઠક ના મતે, “છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો, માપથી સિદ્ધ, સુમેળયુક્ત વાણીનો આકાર કે મેળબદ્ધ જન્મતી આકૃતિઓ.” પદ્યનાં ગેય ઉચ્ચારણથી કાવ્યનું સૌદર્ય વધે છે. જુદા જુદા રાગને કારણે ભાવની ચિરકાલીન અનુભૂતિ કરાવે છે. છંદોબદ્ધ કવિતા વધુ સફળ રીતે તેનો પ્રભાવ છોડી જાય છે. કવિ ન્હાનાલાલ, કાન્ત, કલાપી, સુન્દરમ્, ઉમાશંકર જોશી વગેરેની કવિતાઓ કદાચ એટલે જ આજે પણ અસરદાર લાગે છે. કેટલાક કવિઓનાં મતે કાવ્ય જન્મતા પહેલાં છંદ જન્મે છે. વાલ્મીકિએ અનુષ્ટુપ છંદમાં કલ્પના કર્યા બાદ જ રામાયણ મહાકાવ્યની રચના કરી.

ફ્રેંચ વિવેચક પોલ વાલેરી, જર્મન નવલકથાકાર શિલર, યુરોપિયન કવિ ઇલિયટ પણ કાવ્યમાં છંદને આવકારે છે. કાર્લાઈલનાં મતે ગદ્ય અને પદ્યનો ભેદ છંદ વડે જ કરી શકાય. દરેક છંદ સાથે કોઈ ને કોઈ ભાવ સંકળાયેલો છે. ઉ.દા. મંદાક્રાન્તા સાથે કરુણ રસ,

અછાંદસ રચનાઓ પણ ભાવકનાં ચિત્ત સુધી પહોંચે જ છે. આ રચનાઓમાં લય જોવા મળે છે. ન્હાનાલાલ ની ડોલન શૈલીમાં રચાયેલી રચનાઓ પણ લયને અનુસરે છે.

કાવ્યમાં અલંકાર –

સંસ્કૃત આચાર્ય દંડી અનુસાર, “અલંકાર કાવ્યની શોભા વધારે છે. નાટયાચાર્ય ભામઃ મુજબ, “અલંકાર કાવ્યનું જીવિત અંગ છે.” અગ્નિપુરાણમાં ઉલ્લેખ છે કે, “અલંકાર વિના સરસ્વતી વિધવા જેવી લાગે છે.” મમ્મટ કહે છે, “ક્યારેક જ કાવ્યમાં અલંકાર ન હોવો જોઈએ.” એટલે કે અલંકાર વિનાનું પણ કાવ્ય હોઈ શકે. જયદેવ મુજબ, “જેઓ કાવ્યને અનલંકૃત કહે છે, તેઓ અગ્નિને શા માટે ઉષ્ણતા રહિત માનતા નથી?” અલંકાર કવિની ઊર્મિને સ્પષ્ટ અને સુંદર આકાર આપે છે. ભાવોને સરળ, કલાત્મક બનાવવામાં અલંકારો ઉપકારક છે. અલંકારો કવિ-સંવેદનાનો એક ભાગ બની જાય છે. કાલિદાસ ની ઉપમા કે કાલેલકર નાં અલંકારો કાવ્યનાં ભાવને ઉત્કટ બનાવે છે. સચોટ અને સ-રસ અલંકાર કવિની પ્રતિભાની વિશિષ્ટ નિપજ છે. અલંકારોનો ઉપયોગ ઔચિત્યપૂર્ણ હોવો જોઈએ.

ધ્વનિવિચારનાં પુરસ્કર્તા આનંદવર્ધન નાં મતે, “કવિતાને ખાતર અલંકાર સર્જે એ જ કવિ!” કાવ્ય, અલંકાર સાથે જ જો જન્મે તો, તે સુંદર કાવ્ય બને છે. આ વાતની પુષ્ટિ તરીકે તેમણે કહ્યું છે કે, “ध्वनिः आत्मा काव्यस्य|”

રા. વિ. પાઠકનાં મતે અલંકાર એ કાવ્યમાં આગંતુક નહીં પરંતુ, અંતરંગ હોય તો આવકાર્ય છે. તેમનું “વૈશાખનો બપોર” એકપણ અલંકાર વગર રચાયેલ સુંદર કાવ્ય છે. અનાયાસે પ્રયુક્ત થતાં અલંકારો કાવ્યનાં રસરૂપી આત્માને પુષ્ટ બનાવે છે. અલંકારોથી કાવ્ય સરળ, સચોટ અને મર્મવેધી બને છે. એટલે કે, અલંકારો કાવ્યમાં અનિવાર્ય નથી પરંતુ, આવકાર્ય છે!

આ અનુસંધાને અહીં Swati’s Journal પર મને અમુક કવિતાઓ ઘણી ગમી છે. આપને પણ ગમશે આ અછાંદસ છતાં, સ્પર્શી શકતી રચના – હિસાબ ચૂકતે!

કવિતાનું ધ્યેય –

કવિતાનું મૂળ ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટ ઉલ્લાસ પ્રાપ્ત કરાવવાનું છે આથી કાવ્યમાં ક્ષુલ્લકતા, અભદ્રતા કે તુચ્છતા ન જ આવવાં જોઈએ. પ્રયત્નપૂર્વકની શબ્દ ગોઠવણીથી કાવ્યતત્વ સિદ્ધ થતું નથી. કવિતાનો અનુબંધ ઉન્નત જીવન સાથે છે. કવિએ નૈતિકતા, પ્રેમ, દયા અને ઉદારતાનો આદર કરવો જોઈએ. કાવ્યમાં રહેલો જીવનલક્ષી વિચાર તેનો પ્રાણ છે! ગંભીરતા, મૌલિક વિચારો અને રજૂઆતનું સૌદર્ય જ કાવ્યને ઉત્તમ બનાવે છે.

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

5 Comments
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest